મળી રહે છે આ જગતમાં,
કીડીને કણ અને હાથીને મણ,
છતાં નથી માણવી આ જીવને,
શાંત નિવૃત્તિની એક ક્ષણ...
પેટ નહીં, પેટી નહીં, પટારા છે ભરેલા,
તોય કરવી છે સતત વધારવાની પળોજણ...
ભોગવવાની ક્ષમતા કરતા અનેક ગણું,
ભેગું કરતા રહેવાનું, શું હશે કારણ?
હું નહીં ભેગું કરું તો પરિવારનું શું,
એ વિચારે કરું એક ના બે, બે ના ત્રણ,
હું નહિ ભોગવું તો સંતાનો ભોગવશે,
કરશે ભવિષ્યમાં, એજ વિચાર સંતાનો પણ...
સમયના ભોગે નિરંતર કરું દોડાદોડ,
શું દોડતા ભાગતા જ આવશે મરણ !!!
ડોકિયાં કરતો જ રહીશ બાહર માં,
કે પછી નિહાળીશ ક્યારેક અંતર દર્પણ ?!!