*|| શનિવારે કમાવેલી ૩ આવક ||*
દરરોજ વહેલી સવારે વ્યાયામ અને સૂર્યાસ્ત પછી ચાલવા જવાની ટેવ.
આજે શનિવાર એટલે રજાનો દિવસ હોવાને લીધે સૂર્યોદય આસપાસ ચાલવા જવાનું થયું.
લગભગ ૧૦ મિનિટ થઇ હશે. એક યુવતી મોટર-સાયકલ ઉપર બેઠી જોવામાં આવી. સાથેનો યુવાન નીચે ઉભો હતો અને એને કઈં કહી રહ્યો હોય એવું થોડેક દૂરથી લાગ્યું. એવું અનુમાન થયું કે એ યુવતી શીખી રહી હતી.
એ લોકોની બાજુમાંથી પસાર થતા ઘડીક ઉભા રહેવાનું મન થયું અને સહેજે એક વાક્ય કહ્યું - "ખુબ સરસ. ગીયર વાળી બાઈક ચાલવાનું સાહસ તમે કરો છો એ જોઈને આનંદ થયો. એવું નથી કે સ્ત્રીઓ ના કરી શકે પણ મોટા ભાગે નથી કરતી. તમે આત્મવિશ્વાસ સાથે કરો છો એ તમને તો નિષ્ણાત બનાવશે જ પરંતુ કેટલા બધા લોકો માટે એ એક પ્રેરણાનું કારણ બનશે."
આશરે ૪૦ સેકન્ડનું મારું ઇન્વેસ્ટમેન્ટ અને બદલામાં મળેલા સ્મિત અને ધન્યવાદ એ મારી *પેહલી આવક.*
આગળ વધ્યો. જે પૂલ નીચેથી પાછા વળવાનું હતું એ ખૂણા પર એક રિકશા-ચાલાક પોતાના વાહનને ધક્કા મારતો ખુબ મૂંઝવણમાં દેખાયો. અમુક લોકો જોઈ રહ્યા હતા. પાસે જઈ સ્મિત-સહ પૂછ્યું - "ભાઈ, શું હું એક હાથ આપું તો કદાચ કંઈ થઇ શકે?" ભાઈએ જવાબ આપ્યો - "ચોક્કસ, આપણે પ્રયત્ન કરી શકીયે."
ફક્ત ૨૦ સેકન્ડ આપેલો એ ધક્કો એ મારું રોકાણ. રિકશા હંકારતા એ ભાઈ મારી બાજુમાં આવ્યા, નીચે ઉતાર્યા અને મારા પગ તરફ વળ્યાં. હાથો વળે એમને બન્ને ખભાથી ઉપર લીધા બાદ એમના મુખ ઉપર જોયેલા સંતોષના ભાવ એ મારી *બીજી આવક.*
ઘર તરફ ચાલતા રસ્તાના કિનારે એક ભાઈ કેમેરા લઈને એકાગ્રતાપૂર્વક તસવીરો ખેંચી રહ્યા હતા. એમના રંગમાં ભંગ ના પડે એ રીતે એમનાથી થોડેક દૂર ઉભો ઉભો એમના શોખને માણી રહ્યો હતો. ત્રણેક મિનિટ થઇ હશે અને એમનું ધ્યાન મારા ઉપર ગયું. એમને સ્મિત આપતા મેં ગુડ મોર્નિંગ કહ્યું. પ્રતિસાદ મળ્યો. પૂછ્યું - જો તમને બહુ ખલેલ ના પહુઁચતી હોય તો શું તમે પાડેલા ચિત્રો હું નિહાળી શકું? એમણે તુરંત મને એમનું આખું કલેકશન બતાવ્યું અને અમે ફોટોગ્રાફી વિષે થોડી ચર્ચા કરી.
અંદાજે ૬ મિનિટનો મારો નિવેશ. છુટા પડતી વખતે એમના દ્વારા પ્રસ્તાવિત આલિંગન એ મારી *ત્રીજી આવક.*
*કોણ કહે છે કે વિકેન્ડમાં ઇનકમ ના થઇ શકે?*
No comments:
Post a Comment