Monday, March 12, 2018

1. સાબિત.


મારા અસ્તિત્વ ને સાબિત કરવા,
હું પળ પળ મરી રહ્યો છું...
નથી મને ખબર,
હું શું કરી રહ્યો છું!

જન્મ્યો ત્યારે ના હતી કોઈ ભાન,
પછી પણ ક્યાં આવી મને સાન...
તળિયા વિના ના વાસણ માં,
પાણી ભરી રહ્યો છું,
નથી મને ખબર,
હું શું કરી રહ્યો છું!

પૈસા કમાવા પાછળ મારી મૂકી ડોટ,
ધન નો થયો ફાયદો, સમય ની મોટી ખોટ...
ઘર થી દુકાને અને દુકાને થી ઘર,
બસ ગોળ ફરી રહ્યો છું,
નથી મને ખબર,
હું શું કરી રહ્યો છું!

સંસાર ને વધારવા માં થતો મને આનંદ,
એજ પરિવાર નું દુઃખ કરાવે આક્રંદ...
ચારે બાજુ લાગી છે આગ,
પણ હું માનું છું, ઠરી રહ્યો છું,
નથી મને ખબર,
હું શું કરી રહ્યો છું!

મૃત્યુ પછી શું એવી ચિંતા ક્યારેક સતાવે,
પછી મન કહે, આવા વિચારો માં વર્તમાન કેમ ગુમાવે...
તણખલા જેવા સુખ ની આડમાં,
હું ક્યાં દુઃખ ના પર્વત થી ડરી રહ્યો છું,
નથી મને ખબર,
હું શું કરી રહ્યો છું!

મારા અસ્તિત્વ ને સાબિત કરવા,
હું પળ પળ મરી રહ્યો છું...
નથી મને ખબર,
હું શું કરી રહ્યો છું!

No comments: