જ્યાં તમારા મુખના દર્શન થાય છે...
બાળકો, યુવાનો અને વડીલો મળીને ૩૫ વ્યક્તિઓનું કુટુંબ જ્યારે દિવાળી જેવા પાવન પર્વ દરમ્યાન ૯ દિવસની નિવૃત્તિ લઇને એવા યાત્રા પ્રવાસે પ્રયાણ કરે જ્યાં કણ કણમાં પવિત્રતા અને ક્ષણ ક્ષણમાં કુદરતી આનંદની લહેરો હોય ત્યારે જાણે પરમકૃપાળુ પરમાત્મા સામે આવીને ભેટી પડે એવો અનુભવ થાય.
આવું અદભુત અને અનેરું સર્જન એટલે આપણા પાઠશાળા પરિવારનો દક્ષિણ ભારતનો અદ્વિતીય તીર્થ યાત્રા પ્રવાસ.
દક્ષિણ ભારતમાં ભવ્ય ખજાનો ભરેલો છે એની વાર્તા જરૂર સાંભળી હતી પરંતુ પ્રત્યક્ષ નિહાળીને આવો આહ્લાદક અનુભવ થશે એની કલ્પના સ્વપ્નથી પણ પેલે પાર હતી.
એ પ્રાંતમાં ભગવાન બાહુબલીની ખુબ શ્રદ્ધા. લગભગ બધેજ એમનું ગગનચુંબી અસ્તિત્વ. દરેક ક્ષેત્રની સ્પર્શના, કોઈ પણ જાતના પ્રયત્ન વિના એક અપ્રતિમ અંતરાનંદના સમુદ્રમાં ઊંડે સુધી લઇ જાય.
ભગવાન બાહુબલી પાસે સંસારમાં એ બધુજ હતું જે માનને પાત્ર કહી શકાય; તેમ છતાં મુક્તિના પંથે પ્રયાણ કરવા માટે એ માનનો સર્વથા ત્યાગ અનિવાર્ય. સમજી ગયા એ તો મનનું ગુમાન...એક અંધારી રાતે, વન વગડાની વાટે, બાહુબલી ધરતા ધ્યાન, પામ્યા કેવળજ્ઞાન.
અહો! કેવું અદભુત વિતરાગ દર્શન... તીવ્ર પુણ્યનો ઉદય એ બંધન સ્વરૂપ, સંસારના કહેવાતા મહાસુખ પણ સર્વથા ક્ષણભંગુર છતાં મારી મૂર્છા જીવનભર ફક્ત ભેગું કરવા પાછળ અને ભેગું કરવામાં સુખની માન્યતા પર્યંત સીમિત; જ્યારે અનંત અવ્યાબાધ સુખના ધણી શ્રી વિતરાગની વાણી કહે કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. બુદ્ધિની નહીં પરંતુ શુદ્ધિની વૃદ્ધિથી સમજાય એવા જિનેશ્વરના અલૌકિક વચન છે.
મનના સ્તર પર આવા અને બીજા અનેક વિચારોના આવન-જાવન સાથે એક પછી એક અતિ પ્રાચીન જિનાલયોની સ્પર્શના અને એમાં બિરાજમાન શાશનાઅધ્યક્ષ મહારાજાધિરાજ પરમાત્માની નિસ્પૃહ મુદ્રાના દર્શન સૌને સુખ, સમૃદ્ધિ, શાંતિનો અનુભવ ન કરાવે એ અસંભવ છે.
દેવનહલ્લી, કનકગીરી, ગોમ્મટગીરી, શ્રવણ બેલગોલા, હલેબિડુ, કુંદાદરી, વારંગ, કારકલ, મુડબિદ્રી, ધર્મસ્થલ જેવા અતિશય ક્ષેત્રોની એક વાર સ્પર્શના જ ભવોભવના બંધનથી મુક્ત થવા માટે સક્ષમ છે છતાં એમ કહ્યા વગર રહી નથી શકાતું કે - હૈ યે પાવન ભૂમિ, યહાં બાર બાર આના...
શ્રવણ બેલગોલામાં ૫૬ ફુટ ઊંચા બાહુબલી દાદાના ચરણસ્પર્શ તથા અભિષેકનો સહજ આનંદ હૃદય અને આત્મામાં જાણે કાયમ માટે ઘર કરી ગયું હોય એવો અવિસ્મરણીય એહસાસ છે.
દરેક ક્ષેત્રે આંખોથી થયેલ દર્શન અને આત્મા દ્વારા થયેલા અનુભવ પછી એવું વેદાય છે હવે વધારે ભવ નથી જોઈતા અને જો જન્મ-મરણના ફેરા શેષ હોય તો એક જ ઈચ્છા છે - ભવોભવ દેજો તુમ પદ સેવ, ચિંતામણી અરિહંત દેવ...!
No comments:
Post a Comment