જોગી થઇ ને ચાલ્યા નેમકુમાર, ધન્ય બન્યો રે પેલો ગઢ ગિરનાર...
ગગનચુંબી એવી વિરાટ ગિરનાર પર્વતમાળા વિષે કંઈ પણ કેહવા કે લખવા માટે આ અસ્તિત્વ ખુબજ વામન છે, તેમ છતાં હાલમાં થયેલા અનુભવના અનુસંધાનમાં થોડું લખવું જોઈએ એવું લાગ્યું
૨ મહિના અગાઉ ઈશ્વરે એવો વિચાર આપ્યો કે જઈને નેમિનાથ દાદાને ભેટવું જોઈએ. ૮૦૦ કિલોમીટરનું સફર અને પછી પર્વતારોહણ કરીને દાદાના ચરણસ્પર્શ કરવા હોય તો આ પામર મનુષ્યએ યોજના બનાવી જરૂરી છે. દેવ અથવા વિદ્યાધર હોય તો આંખના પલકારામાં દાદાના દરબારમાં પ્રવેશ કરી શકે. જોકે બન્નેમાંથી કઈ પણ કરવા માટે અથાગ પુણ્ય અને દાદાની આજ્ઞા ફરજીયાત છે !!
શરૂઆતમાં એવું લાગ્યું કે કદાચ ૬-૮ લોકોની અનુકૂળતા થઇ જશે અને એ પ્રમાણે વ્યવસ્થા કરશું પણ એવી ક્યાં ખબર હતી કે દાદા ૩૩ લોકોને સંદેશ મોકલાવીને બોલાવશે એમના દરબારમાં
નવેમ્બર મહિનાની ૨૩ તારીખે સવારે રાજકોટમાં પ્રવેશ કરતા એવો એહસાસ થયો કે જાણે અમે એક કદમ ચાલ્યા અને દાદા ૧૦ ડગલાં આગળ આવ્યા અમને ભેટવા
શ્રીમદ રાજચંદ્રનું સમાધિ મંદિર અને એમનું જ્યાં દેહપરિવર્તન થયું એ નર્મદા મેન્શન - આ બે જગ્યાની મુલાકાત અને ત્યાંના અનુભવને હું શબ્દો દ્વારા ન્યાય આપી શકું એવી મારી કોઈ લાયકાત નથી
અવિસ્મરણીય અને અદભુત એવી એ સંવેનદનાઓને હૃદયાંકિત કરીને ગોંડલ મુકામે લગભગ મધ્યાહને પહોંચવાનો યોગ બન્યો
શ્રી ચંદ્રપ્રભુસ્વામીના દર્શન અને સાનિધ્યને માણીને અને શરીરને એનું ભાડું આપીને સમયનો પ્રવાહ અમને લઇ ચાલ્યો સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય. બાળકો સાથે અમે બધા પણ બાળક બનીને આ આત્માની ભૂતકાળની વિવિધ પર્યાયોના દર્શન કર્યા અને સાથે આશ્ચર્ય પણ થયું કેમકે ભૂતનું તો બધું ભુલાઈ ગયું છે. બસ, હવે ભવિષ્યમાં આવી પર્યાય ન જોઈતી હોય તો શું કરવું એ વિચાર દરેકનું સ્વતંત્ર હોઈ શકે!
સાંજે પાછું ઉદરને એનું ઇંધણ અર્પણ કરીને યાત્રિકભવનના આંગણમાં સ્થિત મુનિસુવ્રત દાદાના દેરાસરમાં ભાવપૂર્વક ભક્તિ ભાવનાથી હૃદયને ભીનું કર્યું
ત્યારબાદ યાત્રિકભવનના ઓરડામાં રાત્રિનિવાસ કર્યો
આગલી સવારે અમારા પગ તળેટી તરફ ઉપડ્યા. ૩ વાર નવકાર મંત્ર ગણીને, દાદાના આશિષ પ્રાપ્ત કરીને, દ્રવ્ય અને ભાવનું મિલન કરતા યાત્રાની શરૂઆત થઇ
એક એક ડગલું ભરે, ગિરનાર સમું જેહ, નેમ કહે, ભાવ ક્રોડના કર્મ ખપાવે તેહ!
(Changed the original pad of Shatrunjay)
આ ભાવ સાથે દાદાની નિકટ આવાનો પુરુષાર્થ ઉપાડ્યો. હકીકતમાં તો એ પુરુષાર્થ પણ દાદા જ કરાવી રહ્યા હતા
લગભગ ૨ કલાકે દાદાના દરબારમાં પ્રવેશ કરતાની સાથે, દાદાનું મુખડું નિહાળતા એવું લાગ્યું કે દાદા ફક્ત આ શરીરનોજ નહીં પરંતુ ભવોભવનો થાક ઉતારવાની પ્રેરણા કરી રહ્યા છે
ભરતક્ષેત્રની સૌથી પ્રાચીન પ્રતિમા (ગત ચોવીશીના ત્રીજા ભગવાનના સમયની) જે ત્રણે લોકમાં અસંખ્યાત વર્ષોથી પૂજાતી આવી છે; પ્રત્યક્ષ આ ચર્મચક્ષુથી થયેલા એ અનુભવનું વર્ણન કરવાને અશક્તિ છે
વાસક્ષેપ અને અભિષેક પૂજા દ્વારા પરમપદને પ્રાપ્ત કરવાની અંતરની ઈચ્છાની પ્રભુ સામે અરજી મૂકીને સહસાવન તરફ પ્રયાણ કર્યું
શ્રી નેમિનાથ પ્રભુ ની દીક્ષા અને જ્ઞાન (કેવળજ્ઞાન) ભૂમિ એટલે સહસાવન. સમવસરણ મંદિર, નેમિનાથ સ્વામીની અને એમના સંસારી લઘુબંધુ શ્રી રહનેમીની ગુફા, લગભગ ૮૭૫૦૦ વર્ષ પેહલાના જીવિત સ્વામી શ્રી નેમિનાથ દાદા (જે શ્રી રહનેમીએ એમના જ્યેષ્ઠ ભ્રાતાની હયાતીમાં બનાવ્યા હતા), કેવળજ્ઞાન ભૂમિ અને દીક્ષાસ્થળ - આ બધા અપ્રતિમ સ્પંદનોની સ્પર્શના એટલે એક આલ્હાદ્દદાયક અને આત્મસ્પર્શી અનુભવ
તીર્થયાત્રા એ પણ અનેક સાધનોની જેમ આત્માને મુક્તિની નિકટ લઇ જનાર એક સશક્ત સાધન છે; અને જો એ ગિરનાર જેવી અતિ પવિત્ર ભૂમિ હોય જેનું સોનેરી ઇતિહાસ તો ખરુંજ પરંતુ એક એવું અતિ સ્વર્ણિમ ભવિષ્ય કે આવનારી ચોવીશીના બધાજ તીર્થંકરો જ્યાંથી મોક્ષગમન કરવાના હોય, એવા એ મહાપવિત્ર સ્થળની અનુભૂતિ કાર્ય બાદ શરીર, મન, હૃદય અને આત્મા પ્રફુલ્લિત થાય એ કોઈ આશ્ચર્યની વાત નથી
આ દેહની રીટર્ન ટિકિટ નિશ્ચિત છે પણ સમય અને તારીખ ખબર નથી; પરંતુ આ યાત્રાપ્રવાસની રીટર્ન ટિકિટ ઉપર તારીખ અને સમય છપાયેલા હોવાથી અને મારું એને અનુરૂપ લક્ષ હોવાથી મોહમયી તરફ રવિવારે રાત્રે રાજકોટથી મુસાફરી શરુ થઇ
વિચર્યા જ્યાં વિશ્વના તારણહાર..વિચરશે જ્યાં ભવિષ્યના મોક્ષકુમાર...ધન્ય છે અને સદા રહેશે આ ગઢ ગિરનાર !!!
Thank you @Suchit & @Kirtan for your review and suggestions. It helped :-)