રુણાનુબંધના લીધે આપણો સંપર્ક થયો અને આ ભવના રુણાનુબંધ પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે.
કાંઈક બાકી રહી જાય અથવા કાંઈ ઉમેરાય, તો એવું બને કે આગળ ઉપર પણ એ વ્યવહારનું અનુસંધાન થાય.
મોહ, રાગ અને દ્વેષના પરિણામો સંસારના વધવાનું કારણ છે અને અનંત કાળથી એ જ કરતો આવ્યો છું. જેમ અનાદિથી પરિભ્રમણ ચાલે છે, તેમ અનંત કાળ સુધી ચાલે એવા પરિણામો દરેક ક્ષણે બાંધતો રહ્યો છું, કારણ કે અનંતાનુબંધિ કષાયો પર હજી ચોકડી પડી નથી.
જ્યાં સુધી મારી માન્યતા ન બદલાય, ત્યાં સુધી મારો સતત પુરુષાર્થ ‘સંસાર, સંસાર અને સંસાર’ જ વધારવાનો ચાલતો રહેશે એ મને લક્ષમાં રાખવું છે; અને જ્યાં સુધી એ પુરુષાર્થ છે, ત્યાં સુધી અનંત સંસાર ઊભો જ છે.
માન્યતા બદલવાથી જ માન્યતા બદલાશે; બીજી કોઈ રીતે નહીં.
શું મને મારી માન્યતા બદલવી છે?
શું ઊંડે ઊંડે પણ મને સંસારમાં જ રસ છે?
શું ફક્ત બહિર્મુખ રહીને સાધનો સેવવાથી કામ થઈ જશે એવી આશામાં જ આ અમૂલ્ય મનુષ્યભવનો સમય વ્યતીત થઈ રહ્યો છે?
શું આ સંસારનો અંત લાવવાના વિચારો મને હચમચાવી દે છે, કે પછી ‘શુભ-અશુભ, પુણ્ય-પાપ’ કરતાં કરતાં આ આમ જ ચાલતું રહેશે એવું નેપથ્યમાં સ્વીકાર છે?
અસ્તુ!

No comments:
Post a Comment