Saturday, September 6, 2025

3. પ્રભુ પાસે બેઠો.

પ્રભુ પાસે બેઠો, અર્પણ કર્યું સ્મિત

ખુશી થી કહ્યું, મને વહાલી તમારી પ્રીત 


થોડી વારે થયો વિકલ્પ, બાકી છે ઘણા કામ

કૃપાળુ કહે બેસ બે ઘડી, સંસારને આપ આરામ


ગોઠવાઈ જશે બધું, જગત ચાલશે મોજ માં

આવ્યો છે અહીં તો, મથી લે સ્વ ની ખોજ માં


જવાબદારીઓનો બોજ સાહેબ, દોડવું પડે મારે 

મારા પુરુષાર્થ વિના, પરિવાર કોના સહારે 


એમના કર્મો એમનો ઉદય, પણ તું માને સ્વ ને કર્તા

અનાદિથી તો રાખડે છે, જશે અનંત રજળતા ફરતા


મારી પૂજા અને પ્રાર્થના, તને આપતા હશે સંતોષ

સ્વ-કલ્યાણ ના પુરુષાર્થ વિના, કેવી રીતે ટળશે દોષ


આપના ચરણ સેવીસ તો, મળશે મને ઘણું બળ

તમે મને મુક્ત કરાવો, બીજું શું જોઈએ ફળ


હું રાગ દ્વેષ થી પર છું, ફક્ત બતાવી શકું રાહ

ચાલવું તો તારે પડશે, પછી જેવી તારી ચાહ


તમે તો પામી ગયા, હવે દયા કરો હે નાથ

મારા પર કૃપા કરીને, પકડી લ્યો મારો હાથ


એ રાહ જ મારો હાથ છે, નથી થવાનો ચમત્કાર

સ્વમાં વસ, પરથી ખસ, ત્યારે થશે ઉદ્ધાર


તું આવી ને શાંતિથી બેઠો, આજે મારી પાસ

આ સમાધિ ને સ્થિર કરી લે, થશે અનુભવ ખાસ


સંસાર બહાર ચાલ્યા કરશે, તું જાણ અંતર સંસાર

સમય અલ્પ પણ પામિશ ચોક્કસ, જો તું કર વિચાર

No comments: