જો કે હું એવુ કાંઇ પણ કરતો નથી પણ મને ઘણી વાર એવું થાય છે કે આ દુનિયાના કોઈ એક ખૂણામાં હું વસિ જાઉં…
કદાચ ત્યાં મને કોઈ ઓળખતું પણ ના હોય…
અને ઓળખતું હોય તો પણ ભલે…
એ જગ્યા કદાચ કોઈ મોટું શહેર હોય…
કિંવા કોઈનું હૃદય…
બહાર ભલે ખળભળાટ હોય…
અથવા કદાચ સંપૂર્ણ નિઃશબ્દતા…
પણ મારા અનુભવમાં તો માત્ર શૂન્યતા અને નિર્મળ શાંતિ હોય…
એવું પણ નહીં કે મને કંઈ કરવાની અપેક્ષા હોય…
અથવા હું કંઈ ખાસ કરતો હોઉં…
બસ, ચહેરા પર એક કુદરતી સ્મિત હોય…
અને જેની સાથે પણ આંખો મળે,
એને પણ એક ક્ષણ માટે સુખનો અનુભવ થાય…
ઊર્જા અને સ્પંદનોની એવી આપ-લે થાય
કે જેમાં બંનેમાં પાછી વૃદ્ધિ જ થાય…
સ્વની સાક્ષીએ હર દિવસ, હર ક્ષણ પસાર થાય…
કદાચ બહારથી એવું દેખાય
કે લોકોની કંઈક મદદ થઈ રહી છે…
કોઈની આંતરડી ઠરી રહી છે…
પણ એ બધું જાણે ઈશ્વરનું ચિંધેલું હોય,
અને એમ જ સંપૂર્ણપણે થતું રહે…
અને કદાચ આ બધાની પાછળનું કારણ પણ એ જ છે
કે એક અંશ શાતા થી લઈને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિનું કારણ સત્પુરુષ જ છે…
મને અલ્પ પણ જે શાતા અનુભવાય છે,
એ પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે…
આ અતિ સુંદર અને મહા અમૂલ્ય મનુષ્ય ભવ, અને જીવનમાં પ્રાપ્ત થયેલી આ બધી જ સુવિધાઓ...
એ માત્ર સત્ દેવ, ગુરુ અને ધર્મના ઉપકારથી જ પ્રાપ્ત થઈ છે…
એટલે ઘણી વાર એવું અનુભવે છે કે
જો હું આ “શરીર” નો ઉપયોગ સેવા અને સાધના માટે ન કરું,
તો દરેક પસાર થતી ક્ષણે હું એને વ્યર્થ જ કરી રહ્યો છું…
મને જે મળ્યું છે…
અને જે હેતુથી મળ્યું છે…
એ બંને પ્રત્યે હું અન્યાય જ કરી રહ્યો છું…
જીવન તો એની પાસેથી ઊછીનું લીધું છે…
અને બસ, એ બતાવેલા માર્ગ પર જ આગળ વધતું રહે…
હે “તું”…
હા, “તું”…
તું મને તારી અંદર ભલે ના સમાવે,
પણ તારી બતાવેલી દિશા તરફ આગળ વધતા
મારા પગ અને અંતર કદી ના ડગમગે…
એટલું ધ્યાન રાખ…
એટલી સંભાળ લે મારી…
આને તું મારી અરજી સમજ
અથવા તારી મરજી…
અસ્તુ!

No comments:
Post a Comment